Gujarat History

ડૉ. જીવરાજ મહેતા
(1 મે, 1960 – 19 સપ્ટેમ્બર, 1963)
તેઓ અમરેલીના વતની હતા. તેમણે મુંબઈ અને લંડનમાં તબીબી શિક્ષણનો અભ્યાસ કર્યો હતો.
ઈ.સ. 1915માં તેમણે મુંબઈમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટીસ શરૂ કરી. 1919માં તેઓ સ્વાતંત્ર્યતા સંગ્રામમાં જોડાયા હતા. ઈ.સ. 1932માં વિજાપુર જેલમાં અને ઈ.સ. 1942માં યરવડા અને નાસિક જેલમાં કારાવાસ ભોગવ્યો. ઈ.સ. 1921માં તેમની વડોદરા રાજ્યના ચીફ મેડીકલ ઑફીસર તરીકે નિયુક્તિ થઈ. 1925થી તેઓ મુંબઈની G. S. Medical College અને KEM Hospitalના 17 વર્ષ સુધી ડીન રહ્યા હતા. ઈ.સ. 1946માં મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા. 1948માં તેઓ વડોદરા રાજ્યમાં દીવાન બન્યા. 1949માં વડોદરા રાજ્યનું મુંબઈ પ્રાંતમાં જોડાણ થતાં 1949 થી 1952 દરમ્યાન તેઓ મુંબઈ રાજ્યના મંત્રીમંડળમાં જાહેર બાંધકામ ખાતાના મંત્રી બન્યા હતા. 1952 પછી દારૂબંધી, ઉદ્યોગ અને નાણા ખાતાના મંત્રી હતા. ઈ.સ. 1960માં 1 મેના રોજ અલગ ગુજરાતની સ્થાપના થતાં તેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. 1962માં ગુજરાત વિધાનસભાની 132 બેઠકોની પ્રથમ ચૂંટણી થતાં તેમાં કોંગ્રેસને 113 બેઠકો મળી અને તેઓ  પુનઃ મુખ્યમંત્રી બન્યા.
ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર 18 ઑગસ્ટ, 1960ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળ્યું. પંચાયત અધિનિયમ, 1961 નું 1 એપ્રિલ, 1963થી ગુજરાતમાં અમલીકરણ થયું.
વડોદરા(બાજવા) ખાતે Gujarat State Fertilizer Company ની સ્થાપના કરવામાં આવી. તેમના સમયમાં અંકલેશ્વર તેલક્ષેત્રની શોધ થઈ.  
ગુજરાત યુનિવર્સિટી વિધેયક, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક, સહકારી મંડળી વિધેયક વગેરે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યાં.
9 સપ્ટેમ્બર, 1963ના રોજ સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી; જે 101 વિરૂદ્ધ 32 મતથી પરાસ્ત થઈ. કામરાજ યોજના મુજબ પક્ષના સંગઠનની જવાબદારી સ્વીકારવાને કારણે તેમણે 19 સપ્ટેમ્બર, 1963ના રોજ રાજીનામુ  આપ્યુ.  

બળવંતરાય મહેતા
(19 સપ્ટેમ્બર, 1963 – 19 સપ્ટેમ્બર, 1965)
તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1899ના રોજ ભાવનગરમાં થયો હતો. ગાંધીજીની અસહકાર ચળવળમાં પણ તેમણે ભાગ લીધો હતો અને ઠક્કરબાપાએ શરૂ કરેલ હરિજન સેવાના કાર્યમાં પણ  ફાળો આપ્યો હતો. રાજ્યમાં સ્વતંત્રતાની ચળવળ ચલાવવા ૧૯૨૧માં તેમણે ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી હતી. તેમણે 1930માં  ધોલેરા સત્યાગ્રહમાં આગળ પડતો ભાગ લીધો હતો; જેના કારણે તેમને 2 વર્ષની જેલની સજા પણ થઈ હતી. આ ઉપરાંત તેમણે 1923માં નાગપુર સત્યાગ્રહ અને 1928માં બારડોલી સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો. તેમણે 1940માં વ્યક્તિગત સત્યાગ્રહ અને 1942માં હિંદ છોડો આંદોલનમાં પણ કારાવાસ ભોગવ્યો હતો. તેઓ ઈ.સ. 1946માં ભાવનગર રાજ્યની ધારાસભામાં વિરોધ પક્ષના નેતા હતા અને 15 જાન્યુઆરી, 1948ના રોજ ભાવનગર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા હતા. તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ સૌરાષ્ટ્રમાં મંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. તેઓ 1952 થી 1962 સુધી લોકસભાના સભ્ય હતા. તેઓ સંસદની અંદાજ સમિતિ ચેરમેન હતા. તેમણે શૈક્ષણિક સંસ્થા 'ભારતીય વિદ્યાભવન'ની સ્થાપના કરી હતી. ગુજરાતની સ્થાપના સમયે ૧૭ જિલ્લા હતા. ઈ.સ. ૧૯૬૪માં તેમના સમયમાં ગાંધીનગર જિલ્લાની સ્થાપના થતાં આ સંખ્યા ૧૮ થઈ.
તેમના સમયમાં ધુવારણ વીજળી મથકની અને વડોદરા ખાતે કોયલી રીફાઈનરીની સ્થાપના કરવામાં આવી. દરેક જિલ્લામાં GIDCની સ્થાપના કરવામાં આવી. શેત્રુંજી, ભાદર અને દાંતીવાડા યોજનાઓ શરૂ કરવામાં આવી. લોકશાહીમાં સત્તાના વિકેન્દ્રીકરણ તરફી તેમના યોગદાન માટે તેમને "પંચાયતી રાજના શિલ્પી" તરીકે ઓળખવામાં આવે છે.
કચ્છ જિલ્લાના છાડબેટ વિસ્તારના પ્રશ્નના ઉકેલ માટે 1965માં ભારત – પાકિસ્તાન યુદ્ધ સમય દરમ્યાન કચ્છની સરહદે વિમાની નિરીક્ષણમાં 19 સપ્ટેમ્બરના રોજ તેમનું વિમાન તોડી પાડવામાં આવતાં સુંથરી ખાતે તેમનું મૃત્યુ થયું. ત્યાં તેમની યાદમાં બળવંતરાય મેમોરિયલ પણ બનાવવામાં આવેલ છે.  
ટપાલ વિભાગ, ભારત સરકાર તરફથી ઓગણીસમી ફેબ્રુઆરી, ૨૦૦૦ના દિને તેમની ૧૦૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તેમનો ચહેરો દર્શાવતી અને ૩ (ત્રણ) રૂપિયાની કિંમતની એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલ છે.

હિતેન્દ્રભાઈ દેસાઈ:-
(19 સપ્ટેમ્બર, 1965 – 13 મે 1971)
તેઓ સુરતના વતની હતા. તેઓ માત્ર 15 વર્ષની વયે ઈ.સ. 1930ની ચળવળમાં જોડાયા હતા અને કારાવાસ પણ ભોગવ્યો હતો. આ ઉપરાંત તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ અને હિંદ છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.  ઈ.સ. 1946થી દસ વર્ષ સુધી સુરત મ્યુનિસિપાલિટીના સભ્ય રહ્યા હતા અને અનેક સમિતિઓના અધ્યક્ષ પણ બન્યા હતા.  ઈ.સ. 1957માં માંગરોળ મતવિસ્તારમાંથી ચૂંટાઈને મુંબઈ રાજ્યના શિક્ષણમંત્રી બન્યા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી શિક્ષણ, કાયદો, ખેતી, જંગલો, નશાબંધી, સમાજ કલ્યાણ, પુનઃ વસવાટ, મહેસૂલ વગેરે ખાતાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી. બળવંતરાય મહેતાના સમયમાં ગૃહમંત્રી હતા.
તેમણે દેવસ્થાન ઈનામ નાબૂદીનો કાયદો પસાર કર્યો. પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે મફત છાત્રાલયો, શિષ્યવૃત્તિઓ, ફી માફી અને મફત કન્યા કેળવણીની જાહેરાત કરી.  તેમના સમય દરમ્યાન ઈ.સ. 1966માં સુરતમાંથી વલસાડ જિલ્લાની રચના કરવામાં આવી.
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગુજરાત વિધાનસભા અમદાવાદથી ગાંધીનગર, સેક્ટર-17, મધ્યસ્થ ગ્રંથાલય ખાતે કાર્યરત થઈ.
ગુજરાતનાં આ ત્રીજા મુખ્યમંત્રીની પ્રતિભાને કારણે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાદૈનિકે તેઓને સી. એમ. વીથ રીગલ લુકનું બિરુદ આપ્યું હતું.
તેમના શાસન દરમિયાન રાજ્યમાં મફત કન્યા શિક્ષણની શરૂઆત થઈ.
વલસાડની પારડીની ઘાસિયા જમીનના 14 વર્ષ જૂના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું. શહીદ સ્મારકના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું. બ્રહ્મકુમાર ભટ્ટના પ્રયત્નોથી સરદાર ભવનના ખૂણામાં સ્મારક માટે મંજૂરી આપવામાં આવી. 19 સપ્ટેમ્બર, 1968ના રોજ ઈન્દુલાલ યાજ્ઞિકના હસ્તે તેનુ ઉદઘાટન કરવામાં આવ્યું.  
સપ્ટેમ્બર, 1969 દરમ્યાન અમદાવાદ, વડોદરા, જૂનાગઢ વગેરે સ્થળોએ કોમી રમખાણો થયાં. સરકાર તેને અંકુશમાં લેવામાં નિષ્ફળ નીવડી. 1969માં નર્મદા જળવિવાદ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવી.
એપ્રિલ, 1971માં માધ્યમિક શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું. વહીવટીતંત્રને સ્વચ્છ બનાવવા અને લાંચરુશવત નાબૂદ કરવા વિજિલન્સ કમિશનની રચના કરવામાં આવી.
વડોદરા ખાતે ભારતના પ્રથમ IPCLની સ્થાપના કરવામાં આવી. ભારત સરકારે નવાં 215 ઔદ્યોગિક એકમો ગુજરાતમાં સ્થાપવાની પરવાનગી આપી.
ઈ.સ. 1969માં કોંગ્રેસના ભાગલા થયા. સંસ્થા કોંગ્રેસ જે સિન્ડીકેટના નામે ઓળખાતી અને ઈન્દિરા કોંગ્રેસ કે જે ઈન્ડીકેટના નામે ઓળખાતી. ઈ.સ. 1970માં સંસ્થા કોંગ્રેસ, જનસંઘ, સ્વતંત્ર પક્ષ અને સમાજવાદી પક્ષનું જોડાણ થયું. ઈ.સ. 1971ની લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરા કોંગ્રેસને બહુમતિ મળતાં ગુજરાતની સંસ્થા કોંગ્રેસ પર પરિણામની અસર થઈ. સ્વતંત્ર પક્ષના સભ્યોએ પક્ષપલટો કરતાં વિધાનસભામાં હિતેન્દ્રભાઈની સરકારે બહુમતી ગુમાવી. તેમણે વિધાનસભામાં બહુમતી ગુમાવતાં રાજીનામુ  આપ્યુ. રાજીનામુ  આપ્યા બાદ તેમના સાથીઓએ પુનઃ સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યા. અપક્ષ અને નાના પક્ષોનો સાથ મેળવી 8 એપ્રિલ, 1971ના રોજ નવા પ્રધાનમંડળની રચના કરવામાં આવી. પરંતુ આ ગઠબંધન લાંબો સમય ચાલ્યુ નહીં અને  13 મે, 1971ના રોજ હિતેન્દ્રભાઈએ  રાજીનામુ  આપ્યું અને  ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
      ૧૯૬૯માં નવી રાજધાની ગાંધીનગર નામે પૂર્ણરૂપે કાર્યરત થઈ. નગરનું આયોજન આધુનિક પદ્ધતિએ ૩૦ ખંડમાં કરાયું. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, અને જ એમ સાત ઊભા માર્ગો તથા ૧ થી ૭ આડા માર્ગો છે. બધે પાકા માર્ગો થઈ ૩૪૨ કિમીના માર્ગો છે. ઉત્તરમાં જલ આપૂર્તિ મથક તથા વીજળી મથક છે. બાલોદ્યાન, સરિતાઉદ્યાન, ઈન્દ્રોડામાં પ્રાણી ઉદ્યાન, નગરસભાગૃહ, સિનેમા, પંચદેવ મંદિર વગેરે આવેલાં છે. નગરની સાથે જ ૧૯૬૪માં ગાંધીનગર મંડલની રચના પણ કરાઈ.

ઘનશ્યામભાઈ ઓઝા
તેમનો જન્મ 25 ઑક્ટોબર, 1911ના રોજ ઉમરાળા, ભાવનગરમાં થયો હતો. તેમણે LLBનો અભ્યાસ પૂર્ણ કરી વકીલાત શરૂ કરી હતી. તેમણે રાણપુર સત્યાગ્રહ અને હિંદ છોડો ચળવળમાં ભાગ લીધો હતો.
ઈ.સ. 1951 થી 1956 દરમ્યાન તેઓ સૌરાષ્ટ્રમાં ધારાસભ્ય અને મંત્રી હતા. ઈ.સ. 1957માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ઈ.સ. 1971માં કેન્દ્રમાં રાજ્યકક્ષાના ઔદ્યોગિક અને વિકાસ પ્રધાન હતા.
તેમના સમયમાં 15 ફેબ્રુઆરી, 1973ના રોજ માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર થતાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ અને ખાનગી શિક્ષણ સંસ્થાઓના સંચાલનમાં ફેરફારો થયા.
તેમણે રૂરલ હાઉસિંગ બોર્ડ અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કરી. તેમણે નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો કાયદો બનાવ્યો. આ ઉપરાંત તેમણે ટેસ્ટ કંટ્રોલ ઓર્ડર બનાવ્યો, જેના દ્વારા 25થી વધુ વ્યક્તિઓના જમણવાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તેમણે ગંદા વસવાટ વિસ્તાર નાબૂદી અને પુનર્વસવાટ અંગે યોજનાઓ તૈયાર કરી.
તેમના વિરુદ્ધ રસિકલાલ પરીખના નેતૃત્વમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં તેમણે રાજીનામુ  આપ્યું.

ચીમનભાઈ પટેલ
(17 જુલાઈ, 1973 – 9 ફેબ્રુઆરી, 1974)
(4 માર્ચ, 1990 – 17 ફેબ્રુઆરી, 1994)  
ચીમનભાઈ પટેલનો જન્મ 3 જૂન, 1929ના રોજ  ચિખોદ્રા, તા. સંખેડા, જિ. વડોદરામાં થયો હતો. તેઓ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના મંત્રી અને ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઈ.સ. 1950-51 દરમ્યાન તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થી મંડળના પ્રથમ પ્રમુખ હતા. તેઓ સયાજીરાવ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક હતા. તેમણે ઈ.સ. 1954 થી 1967 દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. ઈ.સ. 1967માં તેઓ વિધાનસભાના સભ્ય બન્યા. હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં તેઓ આયોજન મંત્રી અને ઘનશ્યામભાઈ ઓઝાની સરકારમાં ઉદ્યોગમંત્રી હતા. ઘનશ્યામભાઈ ઓઝાએ રાજીનામુ  આપતાં પક્ષના નેતા માટે ચૂંટણી યોજાઈ. કાંતિલાલ ઘીયાને 62 મત અને ચીમનભાઈ પટેલને 72 મત મળ્યા. આથી 17 જુલાઈ, 1973ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.  ચીમનભાઈ પટેલે 1990માં જનતાદળ (ગુજરાત) અને ભારતીય જનતા પક્ષની મિશ્ર સરકાર રચી. પરંતુ ભારતીય જનતા પક્ષ મિશ્ર સરકારમાંથી નીકળી જતાં કોંગ્રેસના ટેકાથી 4 માર્ચ, 1990ના રોજ સરકાર રચી અને બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.  
પોતાને છોટે સરદાર તરીકે ઓળખાવતા શ્રી ચીમનભાઈ પટેલે નર્મદાનાં નીર ગુજરાતમાં લાવવા માટે અનેકવિધ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. 1991માં નર્મદા બચાવો આંદોલનના પગલે રચાયેલી મોર્સ સમિતિને પુનર્વસવાટ અને પર્યાવરણલક્ષી પ્રશ્નોની બાબતમાં થયેલ અસંતોષથી વિશ્વબેન્કની સહાય બંધ થઈ જતાં તેમણે નર્મદા બોન્ડની જાહેરાત કરી હતી.
તેમણે જનતાદળ(ગુજરાત) નામનો નવો પક્ષ રચ્યો હતો. તેમણે કિસાન મજદૂર લોક પાર્ટી બનાવી હતી. તેમણે નયા ગુજરાતનું સ્વપ્ન જોયુ હતું.
તેમના સમયમાં રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલન થયાં હતાં. નવનિર્માણ શબ્દ પુરુષોત્તમ માવળંકરે આપ્યો હતો. નવનિર્માણ આંદોલનને કારણે 9 ફેબ્રુઆરી, 1974ના રોજ તેમણે રાજીનામુ  આપતાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. 17 ફેબ્રુઆરી, 1994ના રોજ હૃદયરોગનો હુમલો થતાં તેમનું અવસાન થયું.  
બીજું રાષ્ટ્રપતિ શાસન :
(9 ફેબ્રુઆરી, 1974 – 18 જૂન, 1975)
રાષ્ટ્રપતિ : ડૉ. વી. વી. ગિરિ અને ફખરૂદ્દીન અલી એહમદ
 રાજ્યપાલ : શ્રી કે. કે. વિશ્વનાથન


બાબુભાઈ જશભાઈ પટેલ
(18 જૂન, 1975 – 12 માર્ચ, 1976)
(11 એપ્રિલ, 1977 – 17 ફેબ્રુઆરી, 1980)
બાબુભાઈનો જન્મ 9 ફેબ્રુઆરી, 1911ના રોજ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા.
તેઓ ફેબ્રુઆરી, 1937માં મુંબઈની ધારાસભામાં ચૂંટાયા હતા. ઈ.સ. 1940-42 દરમ્યાન સ્વતંત્રતા સંગ્રામમાં જેલવાસ ભોગવ્યો હતો. ઈ.સ. 1946માં બીજીવાર ધારાસભ્ય ચૂંટાયા અને મુંબઈના મુખ્યમંત્રીના સંસદીય સચિવ બન્યા. ઈ.સ. 1952માં ત્રીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને જાહેર બાંધકામ અને વાહનવ્યવહાર ખાતાના મંત્રી બન્યા. ઈ.સ. 1956માં તેઓ મુંબઈના આયોજન, વિકાસ અને વીજળી ખાતાના મંત્રી હતા. ઈ.સ. 1956માં મહાગુજરાત આંદોલન સમયે તેમના રાજકીય પક્ષ પ્રત્યેના રોષને કારણે  ધારાસભામાં તેમની હાર થઈ હતી અને 1962માં પણ તેમની હાર થઈ હતી. ત્યાર બાદ તેઓ ઈ.સ. 1967ની ચૂંટણીમાં વિજેતા બનતાં જાહેર બાંધકામ, વીજળી અને નાગરિક પૂરવઠા વિભાગના મંત્રી બન્યા હતા. ઈ.સ. 1971માં તેમણે નાણામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.
7 માર્ચ, 1975માં મોરારજી દેસાઈએ વિધાનસભા વિસર્જન માટે ઉપવાસ કર્યા હતા.
સંસ્થા કોંગ્રેસ, સામ્યવાદી પક્ષ અને રીપબ્લિકન પક્ષે ભેગા મળી જનતા મોરચાની રચના કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં જનતા મોરચાને વધુ બેઠકો મળી. પાંચ પક્ષોના ટેકા સાથે જનતા મોરચાના નેતા બાબુભાઈ પટેલ 18 જૂન, 1975ના રોજ ગુજરાતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા. 25 જૂન, 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટીની જાહેરાત કરી.
60 વર્ષથી ઉપરની નિરાધાર મહિલાઓ અને 65 વર્ષથી ઉપરના નિરાધાર પુરૂષો, અપંગ અને અશક્તો  માટે માસિક રૂ.૩૦ની સહાય માટેની પેન્શનની યોજના શરૂ કરી.
તેમણે ગ્રામીણ બેંકોની સ્થાપના કરી હતી. રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક માટે તેમણે પગલાં લીધાં અને લોકાયુક્તની નિમણૂક કરી. ઉપરાંત દરેક જિલ્લામાં દૂધની ડેરીઓની સ્થાપના કરી. ગાંધીનગરને અત્યાધુનિક પાટનગર બનાવવામાં તેમનો સિંહફાળો હતો. તેમણે માતૃભાષામાં વહીવટની શરૂઆત કરી.
તેમણે રાજ્યની બંધ મિલો ચાલુ કરાવી. વધુ પેટ્રોકેમિકલ્સ સંકુલોની સ્થાપના કરી.  
18 ઑગસ્ટ, 1978ના રોજ નર્મદા જળવિવાદ ટ્રીબ્યુનલનો ચુકાદો આવ્યો. તે મુજબ 163 મીટર બાંધકામની મંજૂરી આપવામાં આવી. તેના આધારે 1979માં કામ શરૂ કરવામાં આવ્યું.
તેમના શાસનકાળ દરમ્યાન 12 ઑગસ્ટ, 1979માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાની ઘટના બની. તેના કારણે સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ. અહીં રાહતકાર્યમાં થયેલા વિલંબને કારણે 17 ફેબ્રુઆરી, 1980ના રોજ મંત્રીમંડળ બરખાસ્ત કરવામાં આવ્યું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.  
ભાવનગર યુનિ.ની સ્થાપના અને શિક્ષણમાં 10+2+3ની પદ્ધતિ દાખલ કરવામાં આવી. 20 મુદ્દા કાર્યક્રમનો ગુજરાતમાં અમલ શરૂ થયો. તેમણે રાજ્યની બંધ મિલો ચાલુ કરાવી અને પેટ્રોકેમિકલ્સ સંકુલની સ્થાપના કરાવી.
જાન્યુઆરી, 1978માં અન્ય પછાત જ્ઞાતિઓ માટે 10% અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેમણે બઢતીમાં રોસ્ટર પદ્ધતિ દાખલ કરી.
તેમણે પોલીસ યુનિયનને માન્યતા આપી હતી, જે 1988માં રદ કરાઈ.  અંત્યોદય યોજનાની શરૂઆત થઈ. તેમણે બોમ્બે હાઈ તેલક્ષેત્રમાંથી ગુજરાતને ગેસનો હિસ્સો અપાવ્યો.  
1976માં બજેટ સત્ર દરમ્યાન વિધાનસભામાં નાગરિક પૂરવઠાની માગણી દરમ્યાન મતદાનમાં તેમનો પરાજય થતાં રાજ્યમાં 12 March, 1976ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
તેમના સમય દરમ્યાન ગુજરાતમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.
ત્રીજું રાષ્ટ્રપતિ શાસન :
(12 માર્ચ, 1976 – 24 ડિસેમ્બર, 1976)
રાષ્ટ્રપતિ : શ્રી ફખરૂદ્દીન અલી એહમદ
રાજ્યપાલ : શ્રી કે. કે. વિશ્વનાથન  
ચોથું રાષ્ટ્રપતિ શાસન :
(17 ફેબ્રુઆરી, 1980 – 6 જૂન, 1980)
રાષ્ટ્રપતિ : શ્રી નીલમ સંજીવ રેડ્ડી
રાજ્યપાલ : શ્રીમતી શારદાબેન મુખરજી  

માધવસિંહ સોલંકી
(24 ડિસેમ્બર, 1976 – 11 એપ્રિલ, 1977)
(7 જૂન, 1980 – 10 માર્ચ, 1985)
(11 માર્ચ, 1985 – 6 જુલાઈ, 1985)
(10 ડિસેમ્બર, 1989 – 3 માર્ચ, 1990)
     
તેમનો જન્મ 30 જુલાઈ, 1928ના રોજ પીલુદરા, તા.જંબુસર, જિ. ભરૂચ ખાતે થયો હતો. નરેન્દ્ર મોદી અને તેઓ સૌથી વધુવાર (ચાર વાર) મુખ્યમંત્રી બનનાર વ્યક્તિ છે. 
ઈ.સ. 1952 અને 1957માં મુંબઈ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઈ.સ. 1962 થી 1967 સુધી ગૃહ, મહેસૂલ, ન્યાયતંત્ર, આયોજન અને વનવિભાગમાં રાજ્ય કક્ષાના મંત્રી અને ઈ.સ. 1973માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારમાં કેબિનેટ કક્ષાના મહેસૂલ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.  ઈ.સ. 1975માં ગુજરાત કોંગ્રેસ ઈન્ડીકેટના પ્રમુખ બન્યા હતા. તેમણે ઈ.સ. 1975-76 અને ઈ.સ. 1977-80 દરમ્યાન બિનકોંગ્રેસી સરકારમાં કોંગ્રેસ ઈન્ડીકેટના નેતા તરીકે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળી હતી. 
બાબુભાઈ પટેલની સરકારનું પતન થતાં વિધાનસભાના સભ્યો પક્ષપલટો કરી ઈન્ડીકેટ કોંગ્રેસમાં જોડાવા લાગ્યા. ડિસેમ્બર, 1976માં ઈન્ડીકેટ કોંગ્રેસને બહુમતી સભ્યોનો ટેકો મળતાં માધવસિંહ સોલંકી 24 ડિસેમ્બર, 1976ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેઓ ગુજરાતના પ્રથમ બિનસવર્ણ મુખ્યમંત્રી છે.
માર્ચ, 1977માં છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં ઈન્ડીકેટ કોંગ્રેસનો પરાજય થયો અને કેન્દ્રમાં પ્રથમવાર બિનકોંગ્રેસી જનતાપક્ષની મોરારજી દેસાઈની સરકારની રચના થઈ. પરિણામે ગુજરાતમાં ફરી પક્ષપલટો શરૂ થયો. ઈન્ડીકેટ કોંગ્રેસના વિધાનસભાના સભ્યો જનતાપક્ષમાં જોડાતાં માધવસિંહ સોલંકીએ વિધાનસભામાં બહુમતિ ગુમાવી. 11 એપ્રિલ, 1977ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ  આપ્યું અને બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 
મે, 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ. ઈન્દિરા કોંગ્રેસને 182માંથી 141 બેઠકો મળતાં માધવસિંહ સોલંકી 7 જૂન, 1980ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પાંચ વર્ષનો કાર્યકાળ (7 જૂન, 1980 – 10 માર્ચ, 1985) પૂર્ણ કરનાર તેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે.  તેમણે કેન્દ્ર સરકારમાં 21 જૂન, 1991 થી 3 માર્ચ, 1992 દરમ્યાન વડાપ્રધાન શ્રી પી. વી. નરસિંમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી પદે પણ કાર્ય કર્યું છે.
તેમણે બક્ષીપંચ બોર્ડ, ગોપાલક બોર્ડ, માલધારી બોર્ડની રચના તથા સાહિત્ય અકાદમીની નવેસરથી રચના કરી. તેમના સમયમાં રૂરલ લેબર કમિશ્નરની નિયુક્તિ કરવામાં આવી.
તેઓએ ફૂડ ફાર વર્કની યોજના, વહીવટીતંત્રમાં એક બારી(સિંગલ વિન્ડો’)ની પદ્ધતિ અને પંચાયતો સ્વભંડોળમાંથી અમુક રકમ પોતાને અનુકૂળ કામમાં વાપરી શકે તેવી યોજનાઓ શરૂ કરાવી હતી. તેઓએ ગરીબ પુરુષોને ધોતિયાં; તો મહિલાઓને મફત સાડી આપવાની યોજના અમલી બનાવી હતી.
KHAM થિયરી...  ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ. આ તરાહના જનક તરીકે માધવસિંહ, સનતભાઈ અને ઝીણાભાઈ દરજીને ગણવામાં આવે છે.
તેમના સમયમાં અનામત બેઠકો ન ભરાય તો કેરી ફોરવર્ડ કરવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી. આનો વિરોધ થયો. આ સિવાય રોસ્ટરનો પણ આ સમયે વિરોધ થયો. ગુજરાતમાં તોફાનો થયાં. આખરે 13/04/1981થી કેરી ફોરવર્ડ પ્રથા રદ કરવામાં આવી.
સરદાર સરોવર માટે વર્લ્ડ બેન્ક પાસેથી 500 કરોડની લોન લઈ સરદાર સરોવર અને વીજમથકનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. તેમના શાસનકાળ દરમ્યાન ગુજરાત ઉદ્યોગોના વિકાસમાં દેશમાં આઠમા નંબરેથી બીજા નંબરે આવ્યું. પછાત વર્ગ માટે કુટુંબપોથી દાખલ કરવામાં આવી. તેમણે ખેતમજૂરોના દૈનિક વેતનમાં વધારો કરી લઘુત્તમ વેતનનો અમલ કર્યો. મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરવામાં આવી.
ધોરણ 5થી પ્રાથમિક શાળામાં અંગ્રેજી શીખવવાની શરૂઆત થઈ. યુનિવર્સિટી સુધી કન્યા શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું. તેમાં નાણામંત્રી સનત મહેતાનો પણ ફાળો હતો. ઈ.સ. 1981માં અનામત આંદોલન થતાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર માસ પ્રમોશન આપવામાં આવ્યું.
ભરૂચમાં GNFCનું કારખાનું શરૂ કરવામાં આવ્યું. 9 જુલાઈ, 1982ના રોજ રાજ્યપાલશ્રી શારદા મુખરજી દ્વારા ગુજરાત વિધાનસભાના નવા વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું.
1981માં સામાજિક અને આર્થિક પંચની રચના  કરવામાં આવી. 1982માં આ પંચની ભલામણોનો વિરોધ થયો, જેમાં OBCમાં 10% બેઠકોનો વધારો કરવામાં આવ્યો હતો. અનામત આંદોલનના કારણે તોફાનો થતાં અને કેન્દ્રનું દબાણ થતાં તેમણે 6/7/1985ના રોજ રાજીનામુ  આપ્યુ.   

અમરસિંહ ચૌધરી
(6 જુલાઈ, 1985 – 9 ડિસેમ્બર, 1989)
તેમનો જન્મ 31 જુલાઈ, 1941ના રોજ થયો હતો. તેઓ ડોલવણ, તા.વ્યારા, જિ.તાપીના વતની હતા. તેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા.
ઈ.સ. 1972માં શ્રી ઘનશ્યામભાઈ ઓઝાની સરકારમાં રાજ્યકક્ષાના બાંધકામ મંત્રી અને ત્યારબાદ  ગૃહમંત્રી બન્યા હતા. માધવસિંહ સોલંકીએ રાજીનામુ  આપતાં 7 જુલાઈ, 1985ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા.
તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઈપલાઈનની યોજનાને મંજૂરી આપી હતી. 11 એપ્રિલ, 1988માં નર્મદા કોર્પોરેશનની રચના કરી સનત મહેતાને તેના અધ્યક્ષ બનાવ્યા.
તેમણે 1988માં પોલીસ યુનિયનની માન્યતા રદ કરી. અનામત આંદોલન શાંત પાડવા તેમણે 10% નો વધારો સ્થગિત કર્યો. પ્રાથમિક શાળાના બાળકોને મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યાં. રાજ્યની પ્રસૂતા મહિલા કામદારોને બે માસ માટે રૂ. 500 આપવાની યોજના અમલમાં મૂકી.
તેમના સમય દરમ્યાન સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો. નવેમ્બર, 1989માં ગુજરાત લોકસભામાં કોંગ્રેસની હારના પગલે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામુ  આપ્યુ.

શંકરસિંહ વાઘેલા
(23 ઑક્ટોબર, 1996 – 27 ઑક્ટોબર, 1997)
શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ, 1940ના રોજ થયો હતો. તેઓ વાસણ, જિ.ગાંધીનગરના વતની છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા હતા. અગાઉ તેઓ જનસંઘ નામના પક્ષ સાથે જોડાયેલા હતા અને તેના પાયાના કાર્યકર હતા.
ઑક્ટોબર, 1996માં તેમણે રાષ્ટ્રીય જનતા પક્ષ નામે નવા પક્ષની રચના કરી અને 44 જેટલા ધારાસભ્યોને ખજૂરાહો લઈ ગયા. આ વિવાદ હજૂરિયા ખજૂરિયા તરીકે ઓળખાય છે. ત્યારબાદ કોંગ્રેસના 47 ધારાસભ્યોના ટેકાથી સરકાર રચવાની માંગણી કરી. રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન હટાવીને 23 ઑક્ટોબર, 1996ના રોજ તેમને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા. આ પછી તેઓ રાધનપુરની બેઠક પરથી ચૂંટાઈને ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. 
2 ઓક્ટોબર, 1997ના રોજ આણંદ, દાહોદ, નર્મદા, નવસારી અને પોરબંદર એમ કુલ 5 નવા જિલ્લાઓની રચના કરી. તેમણે ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહે નોકરી આપવાની શરૂઆત કરી.
કોંગ્રેસ પક્ષની કેન્દ્રીય નેતાગીરી સાથે મતભેદ થતાં તેમણે 27 ઑક્ટોબર, 1997ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ  આપ્યુ.  


છબીલદાસ મહેતા 
(17 ફેબ્રુઆરી, 1994 -14 માર્ચ, 1995)
તેઓ મહુવા, જિ. ભાવનગરના વતની હતા. તેમણે હિંદ છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. 1948માં મુંબઈ વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. ઈ.સ. 1962 અને 1967માં ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. 1973માં ચીમનભાઈના મંત્રીમંડળમાં જાહેર બાંધકામ ખાતાના મંત્રી હતા. 1990માં તેઓ નાણામંત્રી બન્યા. ચીમનભાઈ પટેલનું અવસાન થતાં 17 ફેબ્રુઆરી, 1994ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા. તેમના સમય દરમ્યાન તાપી નદીમાં પૂર આવ્યું હતું અને સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો.
1994માં તેમણે બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરી હતી. કોંગ્રેસના શ્રી સી. ડી. પટેલ અને જનતા દળના શ્રી નરહરિ અમીન.
માર્ચ, 1995ની નવમી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં તેમણે 14 માર્ચ, 1995ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ  આપ્યુ.

સુરેશચંદ્ર મહેતા
(21 ઑક્ટોબર, 1995 – 19 સપ્ટેમ્બર, 1996)
સુરેશચંદ્ર મહેતાનો જન્મ 5 ઑગસ્ટ, 1936ના રોજ થયો હતો. તેઓ માંડવી, કચ્છના વતની હતા. ઈ.સ. 1967-69 દરમ્યાન તેઓ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ હતા.
ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે માંડવી બેઠક પરથી ચૂંટાઈને ઈ.સ. 1985 થી 1990 દરમ્યાન વિધાનસભામાં પક્ષના નેતા રહ્યા. ચીમનભાઈ પટેલની મિશ્ર સરકારમાં મંત્રીમંડળમાં ઉદ્યોગ અને ખાણ ખાતાના મંત્રી રહ્યા. ઈ.સ. 1995માં માંડવી બેઠક પરથી ચોથીવાર ચૂંટાઈને કેશુભાઈ પટેલની સરકારમાં નાણામંત્રી બન્યા. કેશુભાઈ પટેલે રાજીનામુ  આપતાં અસંતુષ્ટોએ મુખ્યમંત્રી તરીકે તેમની પસંદગી કરતાં 21 ઑક્ટોબર, 1995ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા. અસંતુષ્ટોને શાંત પાડવા તેમણે 41 મંત્રીઓની નિમણૂક કરી હતી; જે જમ્બો પ્રધાનમંડળ તરીકે ઓળખાય છે. તેમણે અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓ માટે સાયકલ આપવાની સરસ્વતી સાધના યોજના અમલમાં મૂકી હતી. એમના સમય દરમ્યાન 1996માં વિધાનસભામાં વિશ્વાસનો મત લેતી વખતે ભાંગફોડ થતાં ગુજરાતમાં પાંચમીવાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.


દિલીપભાઈ પરીખ
(28 ઑક્ટોબર, 1997 – 4 માર્ચ, 1998)
તેમનો જન્મ 14 ફેબ્રુઆરી, 1937ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે ગુજરાત વેપારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોશિએસન, પ્લાસ્ટિક એન્ડ રબર ઈન્સ્ટીટ્યુટ, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જેવી ઉદ્યોગ અને વેપારની સંસ્થાઓમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.
1990 અને 1995માં તેઓ ધંધુકાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભામાં  સભ્ય તરીકે ચૂંટાયા હતા. ઑક્ટોબર, 1996માં ભાજપમાં ભંગાણ પડતાં શંકરસિંહ વાઘેલાના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેમની સરકારમાં ઉદ્યોગમંત્રી બન્યા. કોંગ્રેસ પક્ષ સાથે મતભેદ થતાં શંકરસિંહ વાઘેલાએ રાજીનામુ  આપ્યું અને 28 ઑક્ટોબર, 1997ના રોજ તેઓ રાષ્ટ્રીય જનતા પાર્ટીના બીજા મુખ્યમંત્રી બન્યા હતા.
તેમના સમયમાં પાંચમું પગારપંચ લાગુ કરવામાં આવ્યું. તેમણે રાજ્યપાલ સમક્ષ નવમી વિધાનસભાના વિસર્જનની માંગણી કરી અને દસમી વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી. દિલીપભાઈનો પોતાના મતવિસ્તારમાં પરાજય થયો. ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો મળતાં 4 માર્ચ, 1998ના રોજ દિલીપભાઈએ રાજીનામુ  આપ્યું અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા.

કેશુભાઈ પટેલ
(14 માર્ચ, 1995 – 21 ઑક્ટોબર, 1995)
(4 માર્ચ, 1998 – 7 ઑક્ટોબર, 2001)
તેમનો જન્મ 14 જુલાઈ, 1930 ના રોજ થયો હતો. તેઓ રાજકોટના વતની હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. રાજકોટ શહેર સુધરાઈની ચૂંટણીમાં જનસંઘના ઉમેદવાર તરીકે ચૂંટાઈને તેઓ વિરોધપક્ષના નેતા બન્યા હતા. ઈ.સ. 1975માં બાબુભાઈ પટેલની સરકારમાં સિંચાઈ અને કૃષિ મંત્રી તથા 1977માં બાંધકામ ખાતાના મંત્રી હતા. ઈ.સ. 1990માં ચીમનભાઈ પટેલની મિશ્ર સરકારમાં તેમણે નર્મદા અને જળસંપત્તિ મંત્રીનો હોદ્દો સંભાળ્યો હતો.
માર્ચ, 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182માંથી 121 બેઠકો પ્રાપ્ત થતાં 14 માર્ચ, 1995ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા. તેમના નેતૃત્વમાં ભાજપ પ્રથમવાર ગુજરાતમાં સત્તાસ્થાને આવ્યો. ઈ.સ. ૨૦૦૦માં તેમના દ્વારા મહેસાણામાંથી પાટણ જિલ્લાની સ્થાપના થતાં ગુજરાતના કુલ જિલ્લાઓની સંખ્યા ૨૫ થઈ.
૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે "ગુજરાત પરીવર્તન પાર્ટી" નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામુ  આપ્યુ.
તેઓએ વર્ષોથી બંધ કાપડ મિલોનાં કામદારોના બાકી પડતાં લેણાં અંગે કેન્દ્ર સરકાર સાથે વાટા-ઘાટો કરી તેમના માટે વળતર રિન્યુઅલ ફન્ડની યોજના તૈયાર કરી તેને અમલી બનાવી અને મિલોના સેંકડો કામદારોને નોકરીના નિવૃત્તિના નાણાકીય લાભો આપ્યા.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નોકરીઓમાં મહિલાઓ માટે 30 % અનામતની જોગવાઈ કરી. કુંવરબાઈનું મામેરૂ નામે યોજના અમલમાં મૂકી, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના જે પરિવારની આવક 7,500 કરતાં ઓછી હોય તેમની દીકરીના લગ્ન વખતે રૂ. 5000ની આર્થિક સહાય આપવામાં આવતી.
તેમના શાસનકાળમાં સૌથી મહત્ત્વનું કાર્ય આક્ટ્રોય નાબૂદીનું થયું હતું. ગુજરાતમાં વિક્રમજનક એક લાખ ચોંત્રીસ હજાર ચેકડેમો બંધાયા.
તેઓ ઈન્ફોટેક નીતિ અને પાસા નામનો કડક કાયદો અમલમાં લાવ્યા. 1 મે, 1998ના રોજ ગુજરાત સરકારની વેબસાઈટ શરૂ કરવામાં આવી. 2 ફેબ્રુઆરી, 1999ના રોજ ગાંધીનગરમાં ઈન્ફોસિટીનો શિલાન્યાસ કર્યો. તેમણે સરસ્વતી સાધના યોજના અને ગોકુળ ગ્રામ યોજના અમલમાં મૂકી.
તેમણે ખેડૂતોને 14 કલાક વીજળી આપી. ખેડૂતો ગુજરાતમાં ગમે ત્યાં જમીનના માલિક થઈ શકે તે મુજબના અધિકાર તેઓને આપ્યા. તેમણે ગરીબો માટે સસ્તા દરે ઘઉંની યોજના અમલમાં મૂકી. એસ.ટી. બસના ભાડામાં લોકોને 20% રાહત આપી. ઉદ્યોગોમાં સ્થાનિક રહીશોને 85% નોકરી મળે તે મુજબના નિયમો બનાવ્યા. 
તેમણે સરકાર લોકોને દ્વાર નામે કાર્યક્રમ અમલમાં મૂક્યો. તે મુજબ મંત્રીમંડળના સભ્યોએ તાલુકા સ્થળોએ રૂબરૂમાં લોકોના પ્રશ્નો સાંભળવાના અને સ્થળ પર જ તેનુ નિરાકરણ લાવવાનું હતું.
સપ્ટેમ્બર, 1995માં કેશુભાઈ પટેલ અમેરિકાની યાત્રાએ ગયા. પક્ષના અસંતુષ્ટ સભ્યોએ લોકસભાના સભ્ય શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું. ભાજપની વરિષ્ઠ નેતાગીરીએ પક્ષના આંતરિક બળવાને શાંત પાડવા કેશુભાઈ પટેલને રાજીનામુ  આપવાની ફરજ પાડી. આથી તેમણે 21 ઓક્ટોબર, 1995ના રોજ રાજીનામુ  આપ્યુ. ત્યારબાદ 4 માર્ચ, 1998ના રોજ તેઓ બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 2001માં કચ્છના ધરતીકંપ બાદ પુનર્વ્યવસ્થાના વિલંબને કારણે સત્તા પરિવર્તન થતાં તેમણે રાજીનામુ  આપ્યું અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

નરેન્દ્રભાઈ મોદી
(7 ઑક્ટોબર, 2001 – 22 ડિસેમ્બર, 2002)
(22 ડિસેમ્બર, 2002 – 25 ડિસેમ્બર, 2007)
(25 ડિસેમ્બર, 2007 – 26 ડિસેમ્બર, 2012)
(26 ડિસેમ્બર, 2012 – 22 મે, 2014)
નરેન્દ્રભાઈ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950માં થયો હતો. તેઓ વડનગર, જિ.મહેસાણાના વતની છે અને સૌથી વધુ સમય માટે મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા હતા. યુવાવસ્થામાં સંઘના પ્રચારક બન્યા હતા. તેમણે રાજનીતિશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.
કેશુભાઈ પટેલે રાજીનામુ  આપતાં તેઓ 7 ઑક્ટોબર, 2001ના રોજ મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ચૂંટાઈને ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. ઈ.સ. 2002માં અગિયારમી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182માંથી 127 બેઠકો મળતાં તેઓ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. 2007ની બારમી વિધાનસભામાં ભાજપને 182માંથી 117 બેઠકો મળતાં તેઓ સતત ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા. 2007માં અલગ તાપી જિલ્લાની રચના કરવામાં આવી. 2012માં તેરમી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182માંથી 115 બેઠકો મળતાં તેઓ સતત ચોથીવાર મુખ્યમંત્રી બન્યા. ઈ.સ. ૨૦૧૩- તેમના દ્વારા છોટા ઉદેપુર, અરવલ્લી, મહીસાગર, મોરબી, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા એમ કુલ ૭ જિલ્લાઓની સ્થાપના થતાં જિલ્લાઓની કુલ સંખ્યા ૩૩ થઈ. તેઓ છેલ્લે ત્રણવાર અમદાવાદની મણિનગર બેઠક પરથી ચૂંટાયા હતા. 22 મે, 2014ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ  આપ્યું અને 26 મે, 2014ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા.  તેઓ સૌથી નાની વયના તથા સૌથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેનાર એકમાત્ર મુખ્યમંત્રી છે.
વર્ષ ૨૦૦૨માં ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળવિકાસ વિભાગ શરૂ કરવામાં આવ્યો. રાજ્યમાં બિનનિવાસી ગુજરાતી (ભારતીય) સાથે લગ્ન કરનાર બહેનોને લગ્ન કર્યા બાદ થતી મુશ્કેલીઓના કિસ્સાઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ઑગસ્ટ – ૨૦૦૮માં એન.આર.આઈ. સેલની રચના કરવામાં આવી. ફેબ્રુઆરી-૨૦૧૪માં મહિલાઓ માટે અભયમ મહિલા હેલ્પલાઈન નંબર 181ની શરૂઆત કરવામાં આવી.
  સાણંદ ખાતે નેનોનો પ્રોજેક્ટ સ્થપાયો. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, કચ્છનો રણોત્સવ, ઈન્ડસ્ટ્રીયલ કૌશલ્યવર્ધન કેન્દ્ર, વાંચે ગુજરાત, સ્કોપ, ગરીબ કલ્યાણ મેળા, ખેલ મહાકુંભ, બેટી બચાવો અભિયાન, પંચામૃત યોજના, રાષ્ટ્રીય શિક્ષણ સમિટ, રાષ્ટ્રીય આયુર્વેદિક સમિટ, વાઈબ્રન્ટ સમિટ, મુખ્યમંત્રી અમૃતમ(મા) યોજના, સુજલામ સુફલામ યોજના, માતૃવંદના યોજના, ઘરદીવડા યોજના, વનબંધુ કલ્યાણ યોજના, માતૃ વંદના (પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે), બાળભોગ યોજના , સાગરખેડુ યોજના, નિર્મળ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌની યોજના, જ્યોતિગ્રામ યોજના, સ્વાગત ઓનલાઈન, કૃષિ મહોત્સવ, રોજગાર મેળા, મિશન મંગલમ્‍, આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો(ATVT), મમતા અભિયાન, ગુણોત્સવ, નારી ગૌરવ નીતિ, પંચવટી યોજના, તીર્થગ્રામ-પાવન ગામ, ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના, ચિરંજીવી યોજના, કર્મયોગી અભિયાન, સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન વગેરે.

આનંદીબેન પટેલ
(૨૨ મે૨૦૧૪ – ૭ ઑગસ્ટ, ૨૦૧૬ )
તેમનો જન્મ 21 નવેમ્બર, 1941ના રોજ થયો હતો. તેઓ ખરોડ, તા.વિજાપુર, જિ.મહેસાણાનાં વતની છે. એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેમને વીરબાળા પુરસ્કાર મળેલ છે. તેઓ M.Sc ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેઓ 1968 થી 1998 સુધી અમદાવાદમાં મોહિનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક અને ત્યારબાદ આચાર્યા હતાં.
તેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ભાજપના સામાન્ય કાર્યકર તરીકે જોડાઈને તેઓ ઈ.સ. 1987 થી 1993 સુધી ભાજપ મહિલા મોરચાનાં અધ્યક્ષ રહ્યાં.  ઈ.સ. 1994-95માં ચીનમાં યોજાયેલી વિશ્વ મહિલા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ઈ.સ. 1992-98 દરમ્યાન રાજ્યસભાનાં સભ્ય હતાં.
ગુજરાત સરકારમાં ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવાં મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.
તેમણે ગતિશીલ ગુજરાત નામે કાર્યક્રમ અમલમાં મૂક્યો. તેમના સમયમાં ખાનગી યુનિવર્સિટીને લગતા વિધેયક ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓ (સુધારા) વિધેયક – ૨૦૧૬ને મંજૂરી મળતાં નવી ચાર યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી. તેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી – વિસનગર,  મારવાડી યુનિવર્સિટી – રાજકોટ, પ્લાસ્ટ ઈન્ડીયા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી – વાપી અને અનંત નેશનલ યુનિવર્સિટી – અમદાવાદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યપાલ દ્વારા ગણપત યુનિવર્સિટી સુધારા વિધેયક – ૨૦૧૬ને પણ મંજૂરી આપવામાં આવી છે. જમીન સંપાદન પુનઃ સ્થાપના અને પુનર્વસવાટમાં વાજબી વળતર અને પારદર્શિતા અધિકાર સુધારા વિધેયક-૨૦૧૬  ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું. વનસંજીવની યોજના અંતર્ગત ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાઓને આદિવાસી દુર્ગમ વિસ્તારો સુધી વિસ્તૃત કરવામાં આવી.  વર્ષ ૨૦૧૬માં ફ્લોરાઈડ મુક્ત પાણી લોકોને પૂરૂ પાડવામાં ગુજરાત  સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું. રાજ્યમાં પ્રથમવાર ખાતેદાર ખેડૂતોને ગામ નમૂના નં.૭/૧૨ અને ૮ની નકલો પ્રતિ વર્ષ એકવાર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર સતત બે વર્ષ જેન્ડર બજેટ રજૂ કરવામાં આવ્યું.
જૈન સમાજને રાજ્યમાં લઘુમતિનો દરજ્જો આપવામાં આવ્યો.  રાજ્યમાં સ્વાવલંબન યોજના અમલમાં મૂકવામાં આવી. તેના કારણે રાજ્યની ધોરણ ૧ થી ૧૨ની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને મફત પાઠયપુસ્તકો આપવામાં આવશે. ઉપરાંત, મહિલા બેઠકો માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૫૦% અનામતની જોગવાઈ કરવામાં આવી.
લગ્ન સહાય યોજના અંતર્ગત ગુજરાતમાં વિકલાંગ સાથે લગ્ન કરનારની સહાયમાં વધારો કરવામાં આવ્યો. અત્યાર સુધી આવા યુગલમાંથી કોઈ એકને જ રૂ. ૨૦,૦૦૦ અપાતા હતા. હવે આ રકમ યુગલદીઠ બંનેને આપવામાં આવશે અને દરેકને ૫૦,૦૦૦ લેખે યુગલને કુલ ૧,૦૦,૦૦૦ની સહાય આપવામાં આવશે.  
રાજ્યમાં નવી ખેલકૂદ નીતિ અમલી બની. તે અંતર્ગત રાજ્ય કક્ષાથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સિદ્ધિ મેળવનારને 3 લાખથી લઈને 5 કરોડ સુધીની ઈનામી રકમ તથા સરકારમાં વર્ગ 3 થી વર્ગ 1 સુધીની સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી. રાજ્યમાં જહાજ રીસાયકલીંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી શીપ રીસાયક્લિંગ પોલીસી – ૨૦૧૫ જાહેર કરવામાં આવી.
આ ઉપરાંત મા વાત્સલ્ય યોજના અને મા અમૃતમ્‍ યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. રાજ્યની ૭૫% જનતાને આવરી લેતી મા અન્નપૂર્ણા યોજનાનો સાણંદથી પ્રારંભ કરવામાં આવ્યો. ૭ એપ્રિલ, ૨૦૧૬  (વિશ્વ આરોગ્ય દિન)ના રોજ નાગરિકોને અદ્યતન સ્વાસ્થ્ય નિદાન-ડાયગ્નોસ્ટિક સુવિધાઓ સરકારી દવાખાનામાં પૂરી પાડવાના હેતુથી મુખ્યમંત્રી નિદાન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર દેશના 70% જેટલાં શૌચાલયોના નિર્માણ સાથે પ્રથમ ફેઝમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે આવ્યું. ગરીબી નિર્મૂલન માટે કેન્દ્ર સરકારના ૨૦ મુદ્દા અમલીકરણ કાર્યક્રમ અંતર્ગત 96.49% સિદ્ધિ સાથે 2016માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું.
બાંધકામના શ્રમયોગીઓ અને તેમના પરિવારના આરોગ્યની ચિંતા માટે ધન્વંતરી રથની શરૂઆત કરવામાં આવી. વિશ્વ બેન્ક્ના રીપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૫માં ઉદ્યોગ ક્ષેત્રે ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું. રાજ્યમાં નાનાં વાહનો માટે ટોલટેક્ષ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ જાહેરાત સંદર્ભમાં તેમના દ્વારા અમરેલી જિલ્લાના શિયાળ બેટ પર દરિયામાં કેબલ પાથરીને વીજળી લઈ જવામાં આવી.  આ શિયાળ બેટ સિંહલ દ્વીપ તરીકે પણ ઓળખાય છે.
લોકસંવાદ સેતુ કાર્યક્રમ અંતર્ગત  લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત 2016માં જામનગર જિલ્લાના ઉન્ડ – 1 જળાશયના અસરગ્રસ્ત 1700 ખેડૂતોના 35વર્ષ જૂના પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો. અહીં ખેડૂતો જળાશયના પાણીથી ખેતી કરતા. પરંતુ ડેમનું પાણી ઓછું થઈ જતાં અને વીજળીની સગવડ ન હોવાના લીધે તેઓ ચોમાસા સિવાય ખેતી કરી શકતા ન હતા. આથી આ ખેડૂતો માટે સોલાર પંપની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લોકસંવાદ સેતુની બેઠક દરમ્યાન જ કરવામાં આવ્યો હતો.  તેમના દ્વારા ગુજરાતમાં રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી.
મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ તૈયાર થયેલા ભૂકંપપ્રૂફ ૧૦૯૨ મકાનો ધરાવતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરનું વડોદરામાં લોકાર્પણ કરવામાં આવ્યું.  
મહિલાઓને તણાવમુક્ત થવા માટેની સીડી અને અભયમ્‍ ૧૮૧ મોબાઈલ એપ્સનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું.  તેમણે ગુજરાતની ભાવી પેઢીને તંદુરસ્ત અને પોષણયુક્ત બનાવવાના હેતુથી રાજ્યવ્યાપી મહાઅભિયાન અંતર્ગત પૂરક પોષણ આહાર માટે બાલ અમૃતમ્‍ અને  માતા તથા કિશોરીઓને આયર્નની ગોળીઓ અને લોહતત્ત્વયુક્ત આહાર માટેની મિશન શક્તિ યોજનાનો ડાંગ જિલ્લાના વનવાસી ક્ષેત્ર આહવાથી પ્રારંભ કરાવ્યો હતો. 
સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત ગુજરાતનાં ૪૦૦ ગામડાંઓને પ્રથમ તબક્કે સ્માર્ટ વિલેજ બનાવવાની શરૂઆત કરવામાં આવી.  રાજ્ય સરકારે દર મહિનાના બીજા શુક્રવારને મહેસૂલી સેવા દિવસ તરીકે જાહેર કર્યો.
ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ લાભ  મળે તે હેતુથી સ્પીપામાં ૩૪૦ બેઠકો વધારીને કુલ સંખ્યા ૧૦૦૦ કરવામાં આવી અને દરેક જિલ્લામાં સ્પીપાનાં પ્રાદેશિક તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં.
આ સમયગાળા દરમ્યાન જૂનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગોધરા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કાર્યરત થઈ. રાજ્ય સરકાર દ્વારા ૧૯૬ વન વસાહતી ગામોને મહેસૂલી દરજ્જો આપવામાં આવ્યો. શ્રમયોગીઓને બધી જ સરકારી યોજનાઓનો લાભ એક જ પ્લેટફોર્મ પરથી મળે તે માટે તેઓને U-win  કાર્ડ આપવામાં આવ્યાં.
વર્ષ ૨૦૧૬માં રાજ્યને વિલેજ પ્રોફાઈલ અને તાલુકા પ્લાનિંગ એટલાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારનો નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ, તદુપરાંત રાજ્યની પ્રજામાં મતદાન માટે દિનપ્રતિદિન જાગૃતિમાં વધારો કરવા બદલ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિથી મતદાર જાગૃતિ માટેની પ્રશંસનીય કામગીરી બદલ ઈલેક્શન કમિશન ઑફ ઈન્ડિયા દ્વારા શિક્ષણ વિભાગને એવોર્ડ આપવામાં આવ્યો. ઉપરાંત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના Extended Green Node (XGN)ને incremental innovation in existing project  વર્ગ હેઠળ ગોલ્ડન એવોર્ડ અને તેલીબિયાં પાકોમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદન તથા ઉત્પાદકતા માટે કૃષિ વિભાગને કૃષિ કર્મણ એવોર્ડ પ્રાપ્ત થયો.
આંતરરાષ્ટ્રીય એજન્સી ફાઈનાન્સ ટાઈમ્સ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ગુજરાત વર્ષ ૨૦૧૫માં સીધુ વિદેશી મૂડીરોકાણ મેળવવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું.

વિજય રૂપાણી : મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય
(૮ ઑગસ્ટ, ૨૦૧૬ – હોદ્દા પર ચાલુ)
મત વિસ્તાર : ૬૯ રાજકોટ (પશ્ચિમ)
તેઓ રાજકોટના વતની છે. તેમનો જન્મ ૨ ઑગસ્ટ, ૧૯૫૬ના રોજ બર્મામાં જૈન વણિક પરિવારમાં થયો હતો. તેમના પિતા રાજકોટના મોટા સામાજિક કાર્યકર હતા. આથી તેઓ વિજયભાઈ રૂપાણીના જન્મ બાદ તરત જ રાજકોટ આવ્યા હતા અને અહીં સ્થાયી થયા હતા.
અભ્યાસ દરમ્યાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જનરલ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક થઈ તે દિવસથી તેમનો રાજકીય ગ્રાફ ઊંચો આવ્યો. નવનિર્માણ આંદોલન વખતે તથા સ્વ. જયપ્રકાશ નારાયણ પ્રેરિત ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં તેમના દ્વારા સ્થાપિત છાત્ર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ તેમણે કામગીરી બજાવી. સન ૧૯૭પમાં લાદવામાં આવેલી કટોકટી વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે ભાવનગરની જેલમાં એક વર્ષ જેલવાસ ભોગવ્યો અને સૌથી નાની વયના મિસાવાસીતરીકે ઓળખ પામ્યા. ૨૪ વર્ષની વયથી તેમણે ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામગીરી શરૂ કરી. ૧૯૮૭માં માત્ર ૩૧ વર્ષની વયે તેઓ રાજકોટના કોર્પોરેટર પદે ચૂંટાયા હતા. સ્થાનિક રાજકારણમાં તેમની પકડ મજબૂત બની એટલે બે ટર્મ સુધી તેઓ સ્ટેટ કમિટીના ચેરમેન રહ્યા અને બાદમાં મેયર તરીકે પણ જવાબદારી સંભાળી હતી.
રાજકીય જવાબદારી ઉપરાંત સમાજસેવામાં તેમણે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી અને તેના થકી ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ આપ્યો. તેમણે ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી છે. ૨૦૦૬માં ટુરીઝમ વિભાગના ચેરમેન તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. ૨૦૦૬માં રાજ્યસભાના સભ્ય તરીકે વરણી થતાં ૨૦૧૨ સુધી વોટર રીસોર્સ કમિટી, પેપર લેડ ઓન ટેબલ કમિટી (સભાગૃહના મેજ ઉપર મૂકવાના કાગળો માટેની સમિતિ), માનવ સંસાધન વિકાસ સમિતિફુડ, કસ્ટમ અફેર્સ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન (અન્ન, ગ્રાહકોની બાબતો અને જાહેર વિતરણ વ્યવસ્થા સમિતિ) જાહેર સાહસો માટેની સમિતિ વગેરે જેવી જુદી જુદી કમિટીઓમાં સભ્ય તરીકે કાર્ય કર્યું. ૨૦૧૩માં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન તરીકે વરણી થઈ. વર્ષ ૨૦૧૪માં વજુભાઈ વાળાની નિમણૂક રાજ્યપાલ તરીકે થતાં રાજકોટની સીટ ખાલી પડી અને અહીંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને સરકારમાં વાહનવ્યવહાર, પાણી પુરવઠા અને શ્રમ અને રોજગાર ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા. એક વર્ષ બાદ પક્ષ દ્વારા તેમને પક્ષના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં તેઓ મુખ્યમંત્રી બન્યા. રાજકોટના યુવા કાર્યકર વિજય રૂપાણીને નાના કાકા તરીકે ઓળખે છે. તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે નિતિન પટેલની નિમણૂક કરી.

નિતિનભાઈ પટેલ : નાયબ મુખ્યમંત્રી, ગુજરાત

તેઓ ગુજરાતના ત્રીજા નાયબ મુખ્યમંત્રી છે. તેમને કેબિનેટ મંત્રી તરીકે ૨૦ વર્ષનો અનુભવ છે. ૧૯૯૦માં સૌપ્રથમ તેઓ કડી વિધાનસભા બેઠક પરથી વિજય પ્રાપ્ત કરીને ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. ૨૦૦૨માં ગુજરાત વિધાનસભા અને ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. ૧૯૯૫થી તેઓ ગુજરાત સરકારમાં ભાજપની સરકારમાં મંત્રીપદે રહ્યા છે. તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠો, નાણા વિભાગ, મહેસૂલ, શહેરી વિકાસ અને માર્ગ અને મકાન વિભાગ જેવાં ખાતાંઓનો હવાલો સંભાળેલ છે.

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...